Monday, December 23, 2013

એક ગાયે વિજયભાઈનું નસીબ બદલી નાખ્‍યું


એક ગાયે વિજયભાઈનું નસીબ બદલી નાખ્‍યું:

આજે ૩૨ ગાયો અને ૪૨ વાછરડીઓથી હર્યોભર્યો તબેલો કાર્યરત છેઃ

પશુપાલન થકી લાખોની કમાણી કરતા વિજયભાઈ વસાવાઃ

સુકા વિસ્‍તારમાં શંકર ગાયો ઉછેરવા બદલ સન્‍માન તેમજ ‘બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ' પણ મળ્‍યો છેઃ

સુરતઃ રાજય સરકારે કૃષિની સાથે પશુપાલનને પણ વૈજ્ઞાનિકઢબે વિકસાવવાનો વ્‍યુહ અપનાવ્‍યો છે. પશુપાલન વ્‍યવસાયથકી ખેડૂતો આજે ખેતીની સાથે પૂરક આવક મેળવી રહ્યા છે ત્‍યારે એક ગાયથી પશુપાલનના વ્‍યવસાય શરૂ કરનારની વાત જાણવા જેવી છે. આ ખેડૂતે માત્ર એક ગાયથી પશુપાલનનો વ્‍યવસાય કરી આજે તેમના તબેલામાં ૩૨ ગાયો અને ૪૨ વાછરડીઓ દ્વારા દરવર્ષે હજારોની કમાણી કરતા સૂરત શહેરથી ૧૧૪ કિલોમીટરના અંતરે દૂર અંતરીયાળ વિસ્‍તાર એવા ઉમરપાડા તાલુકાના ખોડઆંબા ગામના રહેવાસી વિજયભાઈ જાતરીયાભાઈ વસાવાની સંઘર્ષગાથા અન્‍યો માટે પ્રેરક બની છે.

વિજયભાઈ વાત કરતા કહે છે કે, બી.એ. પછી એમ.આર.એસ.નો અભ્‍યાસ કર્યા બાદ શહેરમાં નોકરી માટે આમતેમ થોડા મહિનાઓ ભટકયો. ત્‍યારે ઓછા પગારની નોકરી મળી. આવા સમયે મારી પાસે બે વિકલ્‍પ હતા એક તો ટુંકા પગારમાં નોકરી કરવી. બીજા વિકલ્‍પ તરીકે કંઈક સાહસ કરી પોતાનો વ્‍યવસાય શરૂ કરવો. વધારે પૈસા તો હતા નહી એટલે ઓછા પૈસામાં કયો ધંધો કરવો તેવા મનમાં વિચારો આવવા લાગ્‍યા. તેઓ કહે છે કે, કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો ત્‍યારે ટી.વી. પર આવતી સુરભી નામક કાર્યક્રમમાં મહેસાણાના વિધવા મહિલા રૂઢીબેનનો કાર્યક્રમ નીહાળેલો. આ મહિલાએ એક ગાય થી શરૂઆત કરીને પછી ત્રણસોથી વધારે ગાયોના માલિક બન્‍યા હતા. જેથી આ મહિલાની સંદર્ષગાથાથી પ્રેરણા લઈ મે પણ પશુપાલનનો વ્‍યવસાય કરવાનો સંકલ્‍પ કર્યો.

જયંતિભાઇ કહે છે કે, નજીકના ગામેથી ભરવાડ પાસેથી ત્રણ હજારમાં એક કાંકરેજી ગાય ખરીદી. વિયાય ત્‍યારે જાણ થઈ કે, ગાયના બે આચળ અવિકસીત હતા. જયારે બીજા બે આચળ વિકસીત હતા. જેથી નક્કી કર્યું કે ગાયને પાછી આપી દેવી. જેની પાસેથી ગાય ખરીદી તેમને પાછી દેવાનું કહેતા તેમણે કહ્યું કે, પૈસા પાછા લઈ જા બીજા કોઈ ઉછેરે તેને મફતમાં આપી દેજે. જેથી મેં વિચાર કર્યો કે ગાય તો આપણી માતા સમાન છે અન્‍યને આપવા કરતા હું જ તેને ઉછેરીશ.

૨૦૦૫ના વર્ષથી ગાય માતાના શરણોમાં શીશ નમાવી આરતી ઉતારીને આ કાકરેજી ગાયથી પશુ પાલનની શરૂઆત કરી. તેઓ કહે છે કે, અમારો વિસ્‍તારની સૂકી ભઠ્ઠ જમીનો તેમાય પાણીની કારમી અછત. આવી પરિસ્‍થિતિ વચ્‍ચે પણ જમીનમાં ચારો વાવીને પશુપાલનની શરૂઆત કરી. આ ગાયે તો વિજયભાઈના નસીબ ફેરવી નાખ્‍યા. સતત છ વેતર સુધી વાછરડીને જન્‍મ આપ્‍યો. એમાંથી ચાર વાછરડીઓ પણ ગાભણ થઈ વાછરડીઓને જન્‍મ આપી ચૂકી છે. ૨૦૦૬માં બેક લોન દ્વારા આઠ જેટલી જરસી શંકર ગાયો ખરીદી. સમયાતરે દુધની આવકમાંથી હપ્‍તાઓ ચૂકવી આપ્‍યા. વધુ આવક થતા તબેલામાં ફુવારા સીસ્‍ટમ પણ ગોઠવી છે. જેનાથકી ઉનાળામાં પશુઓને ઠંડક મળી રહે છે. બે બોર પણ કરાવ્‍યા જેમાં સારુ પાણી થતા પોતાની જમીનમાં ચારાનું વાવેતર કરી પશુઓને ખવડાવે છે.

વિજયભાઈ કહે છે કે, ઉચવાણ દુધ મંડળીના મેધજીભાઈ ભરવાડે પણ સમયાતરે અગત્‍યનું માર્ગદર્શન પુરુ પાડયું છે. રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આત્‍મા પ્રોજેકટ દ્વારા અમોને મહારાષ્‍ટ્રમાં પ્રેરણા પ્રવાસ માટે લઈ ગયા. જયાં અમોએ દુધ દોહવા માટે મિલ્‍કીંગ મશીન જોયા બાદ નક્કી કરી ઘરે આવીને સુમુલ મારફતે આ મિલ્‍કીગ મશીન પણ વસાવ્‍યું જેના થકી થોડા સમયમાં ગાયોને દોહી લેવામાં ખૂબ ઉપયોગી નીવડયું. સુમુલ ડેરી દ્વારા પણ નિયમિત પણે વેટરનીટી ટ્રીટમેન્‍ટ આપવામાં આવે છે. વિજયભાઈ ગર્વભેર કહે છે કે, મુંગા પશુઓને વાંસા આપવાનું કાર્ય વેટરનરી ડોકટરો કરી રહ્યા છે. પોતાની સફળતા પાછળ આ ડોકટરોનો જ સિંહફાળો હોવાનું તેઓ કબૂલ કરે છે.

આજે આ પશુપાલક પાસે ૩૨ ગાયો અને ૪૨ જેટલી વાછરડીઓ છે. દરરોજનું ૧૯૦ થી ૨૦૦ લિટર જેટલું દુધ નજીકની ઉચવાણ દુધ મંડળીમાં ભરે છે. ગત વર્ષના દુધના આંકડા આપતા કહે છે કે, એપ્રિલ-૨૦૧૨ થી માર્ચ-૨૦૧૩ દરમિયાન ૫૦૫૮૪ લિટરનું દુધ ઉત્‍પાદન મેળવ્‍યું. રૂા.૨૪ લિટરે ભાવ ગણતા રૂા.૧૧૯૭૨૬૨ દુધની આવક મેળવી. ખાણદાન અન્‍ય ખર્ચાઓ કાઢતા મહિને રૂા.૪૦ હજાર જેટલી ચોખ્‍ખી આવક થતી હોવાનું તેઓએ કહ્યું હતું.

આ સફળતાના પ્રોત્‍સાહનરૂપે ગત વર્ષે તે સમયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઈ સંધાણીના હસ્‍તે ગાંધીનગર ખાતે સુકા વિસ્‍તારમાં શંકર ગાયો ઉછેરવા બદલ સન્‍માન અને પ્રશસ્‍તિપત્ર મળ્‍યું. જયારે આ વર્ષે જિલ્લાકક્ષાના કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ના પ્રસંગે પૂર્વમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલના હસ્‍તે ‘બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ' પણ પ્રાપ્‍ત થયો છે. આમ વિજયભાઈએ વનવગડામાં પણ મૃગજળ સમાન તબેલો કાર્યરત કરી રણમાં ફુલ ખીલવ્‍યા છે તેમ કહી શકાય. આજના ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે, ખેડૂતોએ નિષ્‍ફળતાથી નાશીપાસ થયા વગર ખેતીની સાથે પશુપાલનનો પૂરક વ્‍યવસાય કરી રોજગારી મેળવી શકાય છે.

Article Credit:પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, સુરત –(સમાચાર યાદી તા.૨૧-૦૫-૨૦૧૩)

No comments:

Post a Comment