Friday, December 13, 2013

પશુ રહેઠાણ(Cattle shed)

શક્ય હોત ત્યાં કોઢનું બાંધકામ ઉત્તર-દક્ષિણ એટલે કે તેની લંબાઇ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે હોવુ જોઇએ. જેથી આખો દિવસ હવા ઉજાસ મળી શકે- જાનવર ઉત્તર – દક્ષિણ બાંધવા. કોઢ પાકી હોય તો વર્ષમાં બે વખત ચુનાથી ધોળવો.

રહેઠાણ હંમેશા જમીન પરનાં પાણીનો નિકાલ થતો હોય તેવા ઉંચાઇવાળી જગ્યાએ રાખો. પશુ રહેઠાણની છત ઓછામાં ઓછી ૧૦ ફુટ ઉંચી હોવી જોઇએ. પછી ભલે તે પતરા કે પાકી આરસીસી હોય કે ઘાસપૂળાની હોય.
   
પશુના રહેઠાણમાં દરેક ગાય/ભેંસ માટે ઓછામાં ઓછી ૫.૫ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ લાંબી પાકી જગ્યા હોવી જોઇએ. પશુ રહેઠાણ ત્રણ તરફથી ખુલ્લુ હોવું જોઇએ. ફક્ત પશ્ચિમ દિશામાં દિવાલ હોવી જોઇએ.દરેક પશુ માટે છતની ઉંચાઇ પર ૩ ફૂટ x ૧.૫ ફૂટની હવા ઉજાસવાળી ખુલ્લી બારી હોવી જોઇએ. શિયાળાની ઋતુમાં ત્રણેય ખુલ્લી દિશાઓને કોથળા (ટાટ) થી ઢાંકી દેવી જોઇએ.

છાણ અને અન્ય નકામ કચરો (વધેલ ઘાસ વગેર)માનવ શક્તિ ધ્વારા દિવસમાં ઓછામાં ઓછા બે વાર ખાતરનાં ખાડામાં ભેગું કરવું, ખાતરનો ખાડો પશુ રહેઠાણની જગ્યાથી ઓછામાં ઓછો ૬૦ ફુટ દુર હોવો જોઇએ.

પશુના રહેઠાણની પૂર્વ દિશામાં પશુઓને હરવા-ફરવા માતે ખુલ્લો વાડો હોવો જોઇએ. પશુઓને ઝાડનાં છાયડામાં સૌથી વધારે આરામ મળે છે. એટલે હરવા-ફરવાની જગ્યામાં બે ત્રણ લીમડા જેવાં ઘટાદાર વૃક્ષો લગાડવા જોઇએ.

પશુના રહેઠાણમાં બાહ્ય પરોપજીવીઓ જેવા કે જૂ, જુઆ , કથરડી , ઇતરડીની સંખ્યા વધે ત્યારે બાંધવાની જગ્યા બદલી નાંખો, જગ્યા બદલ્યા પછી જુ/કથરડી/ઇતરડી/ની જગ્યા પર સુકો ફોડ્યા વગરનો ચુનો ઝીણો વાટીને ભભરાવો અને એક અઠવાડિયા સુધી એમને એમ રાખવાથી પરોપજીવીઓ કાબુમાં આવે છે. આ દરમ્યાન જાનવરો તે જગ્યા પર બાંધીન શકાય.

બાહ્ય પરોપજીવીઓ જાનવરના શરીર પરથી દુર કરવા માટે યોગ્ય દવાનો પશુચિકિત્સકની સલાહ મુજબ યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઇએ. દિવાલ, ગમાણ તથા ગટરનાં બાંધકામનાં છેડા ગોળાકાર બનાવવાં જોઇએ. ગમાણ એક મીટર ઉંચાઇ પર તથા ઉંડાઇ ૨૫ થી ૩૦ સે.મીની બનાવવી, તેમજ બે ફૂટ પહોળી રાખવી જોઇએ, ગમાણની સાથે સ્વચ્છ પાણીની વ્યવસ્થા પણ હોવી જરૂરી છે.

પશુના રહેઠાણનું ભોંયતળિયું સરખું, અને તિરાડ વગરનું હોવું જોઇએ. ૧:૬૦ નો ઢાળ હોવો જોઇએ. ૫ ફૂટ લંબાઇએ ૧” જેટલું ભોંયતળિયું નીચું હોવું જોઇએ, ગટર (નાળી) ૮ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉંડી હોવી જોઇએ. જેથી મુત્રનો નિકાલ તથા સફાઇના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય.

ઉનાળાની ઋતુમાં પશુઓના શરીર પર દર પંદરથી વીસ મિનીટનાં અંતરે પાણીનો છંટકાવ કરવાથી તેમને ગરમીથી રાહત મળે છે. કારણકે આ પાણીના બાસ્પીભવનથી એમને ઠંડક પહોંચે છે. રાષ્ટ્રીય ડેરી નિકાસ બોર્ડ નાના ખેડુતો માટે એનિમલ કૂલિંગ સિસ્ટમ (પશુને ઠંડા રાખવાની પધ્ધતિ)વિકસાવી છે. આ પધ્ધતિ ૪ થી ૧૦ જાનવરો માટે પૂરતી છે.

ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર ફિનાઇલનું દ્રાવણ (બાટલીના ૨ ઢાંકણા ફિનાઇલ એક લીટર પાણીમાં મિશ્ર કરી) ભોંયતળિયા પર છાંટવું. પશુઓના મળ-મુત્ર તથા પશુઓને નવડાવ્યા તથા ભોંયતળિયું ઘોવામાં વપરાયેલા પાણીનો સિંચાઇના પાણીમાં ભેળવીને ઉપયોગ કરો. તથા છાણનો ગોબર ગેસ બનાવવામાં ઉપયોગ કરો.



Article Credit:http://dairyfarmerhelpcenter.com

No comments:

Post a Comment