Thursday, January 30, 2014

મુંબઈ અને ગુજરાત વચ્ચેની ભેંસોની ટ્રાન્ઝિટ સિસ્ટમ કરાવે છે લાખોની કમાણી

એશિયાટિક સિંહ દુનિયાભરમાં વિશ્વવિખ્યાત છે, પરંતુ તેને પણ હવે ટક્કર મારી રહી છે ભેંસોની ટ્રાન્ઝિટ સિસ્ટમ. ભેંસોએ પણ હવે મુસાફરીમાં મેદાન માર્યું છે. ગુજરાતની ભેંસો આઠથી દશ મહિનાનો મુંબઇ પ્રવાસ કરી ગુજરાત પાછી ફરે છે. આમ, વર્ષે ગુજરાતમાંથી અંદાજે ૪૦થી ૫૦,૦૦૦ ભેંસો મહારાષ્ટ્રમાં આઠથી દશ મહિનાનું રોકાણ કરી માદરે વતન પાછી આવે છે. તેનો આ પ્રવાસની ભેંસ માલિકને લાખોની કમાણી કરાવી આપે છે.
 
મુંબઈ અને ગુજરાત વચ્ચેની ભેંસોની ટ્રાન્ઝિટ સિસ્ટમ કરાવે છે લાખોની કમાણી
 
મુંબઈના મોટા ભાગના તબેલાધારકો ગુજરાત અને ઉત્તરપ્રદેશ તથા બિહારના હોય છે. મુંબઇમાં તબેલાધારકોને ભેંસને રાખવાની જગ્યા ખૂબ જ નાની હોય છે માટે જ્યારે ભેંસ વસૂકી જાય છે ત્યારે તેઓ ભેંસને સસ્તામાં વેચી દે છે અને દુધાળી ભેંસની ખરીદી કરે છે. દુધાળી ભેંસ અંદાજે ૧૦ મહિના સુધી એટલે કે ૩૧૦ દિવસ દૂધ આપે છે, જ્યારે બાકીના વસૂકેલા ૧૨૦થી ૧૫૦ દિવસો દરમિયાન ભેંસને સાચવવાનું કે ચારો નાખવાનું, ખાસ કરીને જગ્યાના અભાવે જાળવવાનું તબેલા માલિકોને પોસાતું નથી. માટે તેઓ ટ્રાન્ઝિટ સિસ્ટમ અપનાવે છે. ભેંસ દૂધ આપતી બંધ થાય કે તુરત જ અંદાજે રૃ. ૨૦થી ૨૫ હજાર રૃપિયામાં મૂળ માલિક કે અન્યને વેચી દે છે અને રૃ. એક લાખની અંદાજિત કિંમતની દુધાળી ભેંસની ખરીદી કરે છે. મુંબઇમાં દૂધની શોર્ટેજ રહેવાથી તબેલાધારકોને આ ભેંસો તગડી કમાણી કરાવી આપે છે તો બીજી તરફ ભેંસ વેચનારા ગુજરાતીઓને પણ આ ભેંસો અઢળક નફો રળાવી આપે છે.
 
એક ભેંસનું સરેરાશ વજન ૪૫૦ કિલોઃ ૧૫૦૦ લિટર દૂધ આપે છે
 
પશુપાલન વ્યવસાયમાં ભેંસોનું મહત્ત્વ હવે વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને ભેંસોની બે ઓલાદ વધુ જોવા મળે છે-સુરતી અને મહેસાણી. બંને ઓલાદની ભેંસના દૂધની ગુણવત્તા સારી હોય છે. તેમને આપવામાં આવતો ચારો અને વાતાવરણ અનુકૂળ હોવાથી તેમના દૂધની ગુણવત્તા સારી હોય છે. બંનેનો ખોરાક સારો હોવાથી દૂધ પણ સારું આપે છે. સુરતી બ્રીડની ભેંસને નડિયાદી, ચરોતરીના નામે પણ ઓળખવામાં આવે છે. આવી ભેંસો મધ્યમ કદની અને પાસાદાર બાંધાની હોય છે. ભૂરાથી લઇને કાળો કલર તેમજ એક જડબા નીચે ગળા ઉપર અને બીજો આગળના બેગની નજીક હડા ઉપર એમ બે ઇંચ પહોળા તેમના ગળાપટ્ટા હોય છે. કાન મધ્યમ કદના, માથું ગોળ, શિંગડાં ટૂંકાં અને ચપટાં દાંતરડા જેવાં હોય છે. સુરતી ભેંસ સરેરાશ ૪૦૦થી ૪૫૦ કિગ્રાની હોય છે, જ્યારે પાડાનું વજન ૩૦ કિલો જેટલું હોય છે. આ ભેંસ સરેરાશ ૧૨૦૦થી ૧૫૦૦ લિટર દૂધ આપે છે.
મહેસાણી અને સુરતી ભેંસો હોટ ફેવરિટ
કેટલાક સર્વે મુજબ ભેંસોમાં કુલ ચાર જાત વખણાય છે-મહેસાણી, સિંધી, જૂનાગઢી, સુરતી અને જાફરાબાદી. જૂનાગઢી ભેંસ મોટાં શિંગ ધરાવે છે. આ ભેંસનું દૂધ વધુ ફેટવાળું હોય છે, જ્યારે જાફરાબાદી ભેંસ વધુ મોટા કદની હોય છે અને તેના દૂધના ફેટ પણ વધારે હોય છે. તબેલાધારકોને ફેટ કરતાં દૂધનું મહત્ત્વ વધારે હોવાથી તેઓ જાફરાબાદી ભેંસના બદલે મહેસાણી સિંહણ બ્રીડ લઇ જવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત સુરતી ભેંસો પણ મહેસાણી ભેંસો જેટલી જ હોટ ફેવરિટ છે.
 
ત્રણ લાખ દૂધાળી ભેંસોનો  મુંબઈ પ્રવાસ
 
એક ભેંસ અંદાજે ૧૪૦૦થી ૧૫૦૦ લિટર દૂધ પેદા કરે છે. મહેસાણી ભેંસો મોટા ભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે, જેને મુંબઇ, પુણે જેવાં શહેરોમાં દૂધ ઉત્પાદનના ધંધામાં જોડવામાં આવે છે. જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં ૫૬,૨૯૨, વર્ષ ૨૦૦૯માં ૬૩,૪૭૯, વર્ષ ૨૦૧૦માં ૪૭,૯૯૩ આમ હાલમાં પણ આ જ સરેરાશથી ભેંસોની મુંબઇમાં નિકાસ કરવામાં આવે છે. મુંબઇમાં મોટા ભાગે તબેલા સિસ્ટમ ચાલતી હોવાથી ભેંસોને મુંબઇ મોકલવા માટે પરમિટ આપવામાં આવે છે. આ ભેંસો દૂધ આપે તેટલા મહિના મુંબઇમાં રહીને જગ્યાના અભાવે ગુજરાતમાં પરત ફરે છે અને ફરી જ્યારે દુધાળી થાય ત્યારે મુંબઇ મોકલવામાં આવે છે. ગુજરાતના ભેંસ માલિકો મુંબઇના તબેલા માર્કેટમાં ભેંસો મોકલીને તગડી કમાણી કરી લે છે તો બીજી તરફ ભેંસો પણ ૧૫૦૦ લિટર જેટલું દૂધ આપીને તબેલા માલિકોને પણ માલામાલ કરે છે.

Article Credit:http://www.abhiyaanmagazine.com

No comments:

Post a Comment